Ticker

6/recent/ticker-posts

Header Ads Widget

Legend Special : છ દાયકા સુધી અભિનય ક્ષેત્રે એક હથ્થુ શાસન કરનાર ગુજરાતી ચિત્રપટનો ઝળહળતોસિતારોઃ ફિરોઝ ઇરાની

 ગુજરાતી ડ્રામા પ્રોડ્યુસર પિતાનું લાડકુ સંતાન અને અભિનય જેના લોહીમાં વહે છે તેવા ગુજરાતી ચલચિત્રના મુઠી ઉંચેરા માનવી ફિરોઝ ઇરાનીએ જ્યારે મારી સાથે એટલે કે (સંતોષકુમાર ત્રિપાઠી) સાથે વાત કરી ત્યારે ફિલ્મના પરદા પર અત્યંત ધૃણાસ્પદ ભૂમિકા ભજવી લોકોના મનમાં ધિક્કારની લાગણી જગાવતા પરદા પર કુખ્યાત થયેલા અભિનેતાની લાગણી સભર વાતો સાંભળી આશ્ચર્યચકિત થઈ જવાયું.

આજે તમારા સમક્ષ રજૂ કરું છુ મુલાકાતના અંશો .....


પ્રશ્ન : ફિરોઝભાઈ તમે અભિનયની શરૂઆત ક્યારે કરી ?

જવાબ : હું આઠ વરસનો હતો ત્યારે મારા પિતાજીનું એક નાટક ભજવાતું હતું.જેમાં એક બાળ વિલન પાત્ર ભજવી ને કલાજગત મા પ્રવેશ કર્યું.


પ્રશ્ન : તમે મૂળ એક સ્ટેજ કલાકાર તેમ છતાં રૂપેરી પરદે કેવી રીતે આકર્ષાયા?

જવાબ : જ્યારે મારી ઉંમર ૧૪ વરસ ની હતી ત્યારે ઈ. સ.૧૯૫૧ મા વિજય દત્તની મુખ્ય અભિનેતા વાલી ગુજરાતી ફિલ્મમા મારા પિતાજીના ભલામણથી મે કામ કર્યું.તેમાં બાળ વિલનની ભૂમિકા ભજવ્યા બાદ મારા પિતાજીએ મને સલાહ આપી કે તું વિલનની ભૂમિકામાં જ પગ જમાવ.તારી તેમાં ફાવટ સારી છે.આથી મે મારા દિમાગ મા હંમેશા એક વિલન લક્ષી હાવભાવ જગાડ્યા અને તેને રૂપેરી પરદા પર રજૂ કરવાનું સતત પ્રયત્ન કરું છું.જેનું પરિણામ આજે તમે જોઈ શકો છો.


પ્રશ્ન : ફિરોઝ ભાઈ તમે સાત દાયકાથી ફિલ્મ જગત સાથે સંડોવાયેલા છો તો કેટલા ફિલ્મો મા તમે અભિનય કર્યું છે?

જવાબ : સાત દાયકા સુધી દેશકોના દિલ અને દિમાગ પર છવાયેલા રહેવું એ મારા માટે પણ એક નસીબની ભેંટ જ ગણાય કેમ કે આટલા લાંબા સમય માટે પોતાનું એક ચાહક વર્ગ ઉભુ કરવું એ ઘણી અઘરી બાબત છે.છતાં મારા દર્શકોના પ્રેમ ભાવ અને લાગણીએ મને જે રીતે સ્વીકાર્યો છે તે માટે હું એમનો આભારી છું.

આટલા મોટા સમય ગાળા માં મે અભિનય કર્યું હોય તેવી ફિલ્મો નો સરવાળો પણ મોટો જ છે. ત્રિપાઠીજી મે અત્યાર સુધી ૫૬૭ જેટલી ફિલ્મો મા અભિનય કર્યો છે,જ્યારે ગુજરાતી સિવાય અન્ય ભાષાઓ ની ફિલ્મો મા પણ અભિનય કર્યો છે.જેમાં રાજસ્થાની,ભોજપુરી,અને હિન્દી ફિલ્મોનું સમાવેશ થાય છે.અને મે દૂરદર્શનની એક સિરિયલ મા દાદાજીનું મુખ્ય પાત્ર કર્યું છે.


પ્રશ્ન : ફિરોઝ ભાઈ આ જાણી ને વધુ આનંદ થયો કે તમે ગુજરાતી સિવાય અન્ય ભાષાઓ ની ફિલ્મો મા અભિનય કર્યું છે અત્યારે હિન્દી ફિલ્મોનું દર્શકોને વધુ ચસ્કો છે ત્યારે તમે કઈ હિન્દી ફિલ્મો કરી છે.

જવાબ : ગુજરાતી દર્શકોની આ એક ખાસિયત છે કે પોતાની માતૃભાષામાં બનેલી ફિલ્મો કરતાં હિન્દી ભાષાની ફિલ્મોને વધુ મહત્વ આપે છે અને આજ કારણો સર ગુજરાતી ફિલ્મો હંમેશા સંપર્ષમાં રહી છે. આમ થવું એ આપણી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ માટે સારી બાબત ગણાય નહી.જો કે ને ૬ હિન્દી ફિલ્મો મા કામ કર્યું જેમાં બોબી દેઓલ સાથે "હમરાઝ" તથા અક્ષય કુમાર સાથે "ઐતરાઝ"  ફિલ્મ મા કરીના કપૂર ના પિતાજીની ભૂમિકા ભજવી છે."આતંક હી આતંક" નામ ની હિન્દી ફિલ્મમાં મારી ભૂમિકા લોકો આજે પણ યાદ કરે છે.


પ્રશ્ન : ફિરોઝ ભાઈ તમે આટલી બધી ફિલ્મોમાં અનેક કલાકારો સાથે કામ કર્યું તો તમને અભિનયની ટક્કર આપવાની મજા કોની સાથે આવી ? અથવા તો સીધું સવાલ પુંછું તો તમારી સીધી હરીફાઈ કોની સાથે છે ?

જવાબ : જુવો ત્રિપાઠીજી અભિનય એ અભિનય છે જેમાં કોઈ સાથે ટક્કર કે હરીફાઈ કરવાની વાત આવતી જ નથી .પણ હાં જો મજબૂત અભિનયની વાત નીકળે ત્યારે ૭૦ ના દાયકાના અભિનેતાઓ જેવા કે અરવિંદ ત્રિવેદી,અરવિંદ જોશી,અરવિંદ રાઠોડ,મુકેશ રાવળ,ચંદ્રકાંત પંડ્યા જેવા મોટા ગજા ના વિલન અભિનેતાઓ નો એ સમય ખુબજ યાદગાર ગણાય .એમના જેવી કલા સૂઝ અને ક્ષમતા વાળા કલાકારોને ફિલ્મ જગત ક્યારેય ભૂલી જ ન શકે.


પ્રશ્ન : સાચી વાત ફિરોઝ ભાઈ તમે જે નામ કહ્યા એ ધુરંધર કલાકારો છે.તમે આજના સમય ના કલાકારો અને એમાંય વિલન વિશે શું કહેશો?

જવાબ : હું ઘણી વાર દર્શકો વચ્ચે અને બીજા કલાકારો વચ્ચે જતો હોવું છું ત્યાં ઘણી વાર એવી ચર્ચા નીકળે કે આ વિલને તો એકદમ ફિરોઝ ઈરાની જેવો અભિનય કર્યો છે.તો વળી ક્યારેક કોઈ વિલનનું પાત્ર ભજવતો કલાકાર મારી પાસે આવીને કહે કે ફિરોઝ ભાઈ તમારા અભિનયથી પ્રેરાઈને મે આ ફિલ્મ મા તમારા જેવું અભિનય કર્યું છે.

ત્યારે ખરેખર મને  દુઃખ થાય છે કે દરેક કલકારે પોતાની અંદર રહેલા અભિનેતા ને ઓળખીને બહાર લાવવો જોઈએ, નહિ કે ફિરોઝ ઈરાની ની નકલ ન કરવી જોઈએ.નકલ કરનાર કોઈ કલાકાર આગળ આવી શકે નહિ માટે મારી વિનંતી ને તમે કલકારો સુધી પહોંચાડો કે કોઈની નકલ કરવા કરતાં પોતાનું આગવું ઓળખ ઉભુ કરે.

ફિરોઝ ઈરાનીનું અભિનય તમને ગમે એ સારી વાત છે, પણ તેનાથી પ્રેરાઈને તમે એના જેવી જ નકલ કરી અભિનય કરો તે ખોટી વાત છે.માટે તમારી અંદર રહેલા અભિનેતા ને બહાર લાવો મિત્રો મારે તમને બસ આટલું જ કેહવુ છે.


પ્રશ્ન : ફિરોઝ ભાઈ તમે અંદર ના કલાકાર ને બહાર લાવવાની વાત કરી તો એ કામ તમે કંઈ રીતે કરો છો?

જવાબ : સારા કલાકાર બનવા માટે સતત પ્રેક્ટિશ જરૂરી છે.આ માટે જ્યારે પણ ફિલ્મનું કામ પસંદ કરું ત્યારે તેની વાર્તા સાંભળી અને તેના લેખક,નિર્માતા તથા દિગ્દર્શક શું કેહવા માંગે છે ,તે સમજી તેમાં પાત્ર ની જરૂરિયાત મુજબ તેમાં ઊંડા ઉતરી તેને ભજવવું પડે છે.ત્યારે વિવિધતા લાવવા માટે હું મારા પાત્ર વિશે મારા લેખક અને દિગ્દર્શક સાથે ચર્ચા કરી તેમાં ફેરફાર પણ જરૂર જણાય તો કરું છું.અને તેમાંય ખાસ તો જે તકિયાકલામ આવે છે તે હું જાતે જ પસંદ કરું છું.અને પાત્ર ને અનુરૂપ તકિયાકલામે મને આજે આ મુકામે પહોંચાડી દીધો છે.

પ્રશ્ન : તકિયાકલામ તો તમારા દર્શકોએ બહુ વખાણ્યા છે ,પણ અમારા વાચકોને પણ કોઈ તકિયાકલામ સંભળાવશો?

એ ઊભી રે છોરી...

આ લાખા જેવો તને ક્યાંય નહિ મળે..આ લાખો તો લાખો મા એક છે.

બાપુ મેં તો જે કેહવાનું હતું તે કહી દીધું..બાકી આ ગુલાબ ની વાત તો ગુલાબ જેવી જ હોં....

આવા મારા સંવાદો ઘણા લોકપ્રિય થયા છે.


પ્રશ્ન : તમારી હાલ કઈ ફિલ્મ રિલીઝ થઈ રહી છે?

જવાબ : મારી આવનાર સમય મા ૩ ફિલ્મો રિલીઝ થવા જઈ રહી છે જેમાં લવચુંબક,અને એક ફિલ્મ જેનું નામ પેહલા કાઈક અલગ હતું પણ હવે એનું નામ બદલાઈ રહ્યુ છે જેથી મને એનું નામ ખબર નથી અને ૩જી મારી ફિલ્મ જે ૧૨મા સદી ની વાર્તા પર આધારિત છે અને એનું નામ છે કસુંબો એ ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે.


પ્રશ્ન : ફિરોઝ ભાઈ ૫૬૭ ફિલ્મ એ કોઈ નાની સંખ્યા નથી છતાં,તમને કયા પ્રકારની અભિનય કરવાની ઈચ્છા હજી બાકી છે?

જવાબ : અભિનય તો બહુ કર્યો ત્રિપાઠી જી ..અનેક પ્રકાર ની ભૂમિકા ભજવી બાળપણ ના રોલ થી લઇ યુવાન,પુખ્તવય,પિતાજી અને છેલ્લે દાદાજી ની ભૂમિકા પણ ભજવી .છતાં એક વાત ચોક્કસ કહીશ કે આ ૭૦ વર્ષ ના મારા અભિનયકાળ મા હજુ પણ મારા અભિનય ની ભૂખ ભાગી નથી .રોજ વધુ ને વધુ સારો,મજબૂત અને યાદગાર અભિનય ની ભેંટ મારા દર્શકો ને આપુ એવીજ મારી ઈચ્છા હોય છે.


પ્રશ્ન : ફિરોઝ ભાઈ આજ ના સમયમાં મા સાઉથ ની ફિલ્મો દુનિયાભર મા નામના મેળવી રહી હોય ત્યારે આપણી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી વિશે તમે શું કહેશો?

જવાબ : આમ તો ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી મા પણ અમુક ફિલ્મો એ વિશ્વ ભર મા નામના મેળવી જ છે પણ હું કેહવાં માંગીશ કે જે લોકો પોતાનું કલ્ચર છોડી ને બીજા વિષય પર ફિલ્મ બનાવશે એ ફ્લોપ જ થશે.આજે સાઉથ ની ફિલ્મો ની વાત કરીએ તો એ લોકો પોતાના ના કલ્ચર ને છોડતા નથી.એટલે આજે દુનિયાભર મા નામ કમાઈ રહ્યા છે અને બોલિવૂડ પણ એમની નકલ કરવા મજબૂર બની છે.માટે હું ગુજરાતી ફિલ્મ મેકર ને આટલું જ કહીશ કે ગુજરાતી કલ્ચર ને અનુરૂપ ફિલ્મ બનાવી ચોક્કસ સફળતા મળશે. હેલ્લારો ફિલ્મ એક દાખલો છે .


પ્રશ્ન : ફિરોઝ ભાઈ તમે આજ ના સમયમાં OTT પ્લેટફોર્મ પર પ્રસારિત થતી વેબસીરીઝ અને સોશિયલ મીડિયા વિશે શું કહેશો?

જવાબ : આજ ના સમય માં OTT પ્લેટફોર્મ ને હું IPL જેવું માનું છું. જે રીતે પેહલા ના સમય માં ફક્ત ટેસ્ટ મેચ રમાતી હતી પછી વન ડે નો જમાનો અને હવે આઈપીએલ રમાય છે તેવી જ રીતે આજે OTT પ્લેટફોર્મ અને સોશિયલ મીડિયા આવી ગયું છે.જેમાં ઘણા એવા પ્રતિભાશાળી કલાકાર, ડિરેક્ટર અને ટેકનીશીયન ને મોકો મળી રહ્યું છે.હું સમય પ્રમાણે બદલાવ ને આવકારું છું.


પ્રશ્ન : આજે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી મા બહુ ઓછાં બજેટ ની ફિલ્મો બનાવવા વાળા મેકર્સ ની સંખ્યા વધી રહી છે જે લોકો ફક્ત ગુજરાત સરકાર તરફથી પ્રોત્સાહન રૂપે મળતી સબસિડી ને ધ્યાન મા રાખી ને જ ફિલ્મો બનાવે છે એમના વિશે તમે શું કહેશો?

જવાબ : બહુ દુઃખ થાય છે આજે આવા લોકો ઇન્ડસ્ટ્રી મા ઘુસ મારી છે જેમને કલા વિશે કોઈ માહિતી નથી.આવા ફિલ્મ નિર્માતાઓ પર કડક દંડાત્મક કાર્યવાહી થવી જોઇએ જેથી કલા,કલ્ચર અને કલાકારો સાથે થતું અન્યાય અટકી શકે.


સાચી વાત ફિરોઝ ભાઈ અમે  તમારી પાસે આવી જ ઈચ્છા રાખીએ છીએ કે તમારો અભિનય પણ હંમેશા યાદગાર હોય અને આપડી આજ ની મુલાકાત પણ કાયમ માટે યાદગાર જ બની રહેશે .આભાર ફિરોઝ ભાઈPost a Comment

0 Comments